મોરબીના અપહરણકાંડમાં જોડિયાના ભાદરા ગામે સર્જાયા ફિલ્મી દ્રશ્યો; આરોપીઓ દ્વારા પોલીસની હત્યાનો પ્રયાસ, PSI દ્વારા કરાયું ફાયરીંગ
મોરબી: મોરબીના અપહરણકાંડમાં જોડિયાના ભાદરા ગામે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા જેમાં જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા નજીક ગઈકાલે સાંજના સમયે નાકાબંધી દરમિયાન પોલીસે મોરબી તરફથી આવતી સ્કોર્પિયો કારને રોકવા પ્રયાસ કરતાં કારચાલકે પોલીસ ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ જામનગર મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ તથા સ્ત્રી અત્યાચારના ગુનાનો આરોપી તેની GJ-36-AF-0786 નંબરની કાર લઇને નાશી ગયો હતો. આ આરોપી નાશી ગયાની જાણ થતા જોડિયા અને જામનગર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. તે દરમિયાન જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા નજીક પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે નાકાબંધી કરી હતી અને તે સમયે નાશી ગયેલો સ્કોર્પિયો કારચાલક મોરાણા થી ભાદરા પાટીયા તરફ પૂરઝડપે આવી રહ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરાતા બેખોફ કારચાલકે તેની કાર પીએસઆઈ ગોહિલ અને તેના સ્ટાફ ઉપર ચડાવી દઈ હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. જેથી પીએસઆઇ રવિરાજસિંહ ગોહિલે તેની સર્વિસ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યા હતાં. જેમાંથી બે રાઉન્ડ ફાયર થયા હતા અને એક મીસ ફાયર થયું હતું. આરોપીઓએ ફાયરીંગ થતા તેની કાર વાળી ભાગતા પોલીસે પીછો કર્યો હતો.
જ્યારે પોલીસ દ્વારા પીછો કરાતા આરોપીઓએ કાર કેશિયા ગામ તરફ વાળતા રોડ સાઈડમાં બનાવેલી સિમેન્ટની પાળી સાથે ભટકાતા બંને આરોપીઓ નાશી છુટયા હતાં. ત્યારબાદ પાછળ આવેલી પોલીસે કાર કબ્જે કરી નાશી છુટેલા સલીમ દાઉદ માણેક અને રફિક ગફુર મોવર નામના બંને આરોપીઓને કેશિયાથી હાડાટોડા તરફના માર્ગ પરના સીમ વિસ્તારમાંથી રૂા.૪૦ હજારની કિંમતના બે મોબાઇલ સાથે ઝડપી લીધા હતા તેમજ પીએસઆઈ રવિરાજસિંહ .ડી ગોહિલ સહિતના સ્ટાફે બંને આરોપીઓ વિરુધ્ધ હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધી પૂછપરછ હાથ ધરતા સલીમ માણેક વિરુધ્ધ મોરબી બી ડીવીઝન, માળિયા, મોરબી તાલુકા, ભૂજ બી ડીવીજન, સુરેન્દ્રનગર એ ડીવીઝન, જોડિયા પોલીસ સ્ટેશન, મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા બંને આરોપીઓની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.