વાંકાનેર-મોરબી વચ્ચે રેલવે ટ્રેક પ૨ ઈંટોના ટુકડાઓનો મોટો જથ્થો મૂકી અજાણ્યા શખ્સો દ્વારા ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય જેની જાણ રેલ્વે વિભાગને થતા જ રેલ્વે પોલીસનો મોટો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બાદમાં ઇંટોના જથ્થાને દુર કરવામાં આવ્યો હતો. હાલમાં મોરબી રહેતા અને રેલવે તંત્રમાં રેલપથ નિરીક્ષક તરીકે મોરબી ખાતે ફરજ બજાવતા સિનિયર સેક્શન એન્જિનિયર સુરેશકુમાર રામશબ્દ ગૌતમે અજાણ્યા શખ્સો સામે રાજકોટ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બ્રોડગેજ લાઇનનું નિયંત્રણ અને નિરીક્ષણ કરવાનું કામ કરતા અધિકારી સુરેશકુમારની ફરિયાદ મુજબ, ગત રાતે દોઢ વાગ્યાના અરસામા વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન સર્વિસ માટે મોરબી આવી હતી. બાદમાં મોડી રાત્રીના અરસામાં ડેમુ ટ્રેનની સર્વિસ થઇ જતા મુસાફર વગરની ખાલી ડેમુ ટ્રેનને વાંકાનેરથી મોરબી આવતી ટ્રેનને વાંકાનેર ઓવરબ્રીજ થી ૧૦૦ મીટર મકનસર ગામ નજીક ટ્રેનના ચાલક સલીમભાઇ મન્સુરીને રેલવે ટ્રેક પર નડતરરૂપ વસ્તુઓ પડી હોવાનું જોવા મળ્યું હતું. જેથી ચાલક સલીમભાઇએ સતર્કતા દાખવી ડેમુ ટ્રેનની ઇમર્જન્સી બ્રેક મારી દીધી હતી. જેને કારણે બ્રોડગેજ લાઇનની ટ્રેક પર પડેલા જથ્થા સાથે ડેમુ ટ્રેનનું એન્જિન અથડાઇને ઊભું રહી ગયું હતું. બાદમાં ચાલક સલીમભાઇ ટ્રેનમાંથી નીચે ઉતરી તપાસ કરતા રેલવે ટ્રેક ઉપર નકામી થઇ ગયેલી ઇંટોનાં ટુકડાઓનો ઢગલો જોવા મળ્યો હતો એટલું જ નહિ ચાલક સલીમભાઇને રેલવે ટ્રેક પર ઇંટોના કટકા વિખેરાયેલા નજરે પડ્યા હતા. જેથી તુરંત ચાલક સલીમભાઇએ બનાવ અંગે રાજકોટ રેલવે એન્જિનિયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં રેલવે ટ્રેકને કોઇ નુકસાન થયું નહિ હોવાનું જાણવા મળ્યું હતું. રેલવે ટ્રેકનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ પાંચ વાગ્યે ડેમુ ટ્રેનને વાંકાનેર રેલવે સ્ટેશન માટે રવાના કરી હતી. આમ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર ઇંટોના કટકાઓનો મોટો ઢગલો કરી રેલવેને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો હોય તકેદારીના ભાગ રૂપે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રેલવે પોલીસે ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરનાર અજાણ્યા શખ્સોની ભાળ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જો કે સદનસીબે બનાવ સમયે ડેમુ ટ્રેન ખાલી હોવાથી મોટી દુર્ધટના થતા અટકી છે તો આવા અસામાજિક તત્વો સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
