વાંકાનેરના શિક્ષણ જગતમાં વર્ષ- 2017 થી 2020 સુધીનો વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો – આર.ટી.ઈ. અંતર્ગત ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓની ફીની રકમ પણ ચાવી ગયા
શિક્ષણક્ષેત્રની તમામ યોજનાઓ ભ્રષ્ટાચાર આચાર્યો હોવા છતાં અને જેમની સહીથી આ બધા બેનામી વ્યવહારો થયા હોવા છતાં એમને કેમ સજા કોઈ સજા નહિ?
વર્ષ- ૨૦૧૯ માં બહાર આવેલું શિષ્યવૃત્તિ કૌભાંડ માત્ર એક શિક્ષકની બદલી કરીને ભીનું સંકેલી લેવાયું હતું.
વાંકાનેરના ભ્રષ્ટાચારને જે તે વખતે રફે દફે કરવામાં તાજેતરમાં એસીબીની ટ્રેપમાં પકડાયેલા મયુર પારેખ તત્કાલીન મોરબીના ડીપીઈઓની વરવી ભૂમિકા.
વાંકાનેર: આજકાલ ચારેબાજુથી વાંકાનેરના શિક્ષણ જગતમાં થયેલા ભ્રષ્ટાચારની ગુંજ સંભળાઈ રહી છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચારની વિગત સામે આવી છે, મળતી માહિતી મુજબ રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે,જેની વિદ્યાર્થી દીઠ 10000/- અથવા જે તે શાળાની એફ.આર.સી. મુજબ મંજુર કરેલ હોય એ પૈકી જે બે માંથી ઓછી હોય એ ફી અને વિદ્યાર્થી દીઠ સ્ટેશનરી યુનિફોર્મની રૂપિયા 3000/- રકમ સરકાર દ્વારા શાળાઓને ચૂકવવામાં આવે છે. આ ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ આ ભ્રષ્ટાચારી લોકોએ નથી છોડ્યા, વર્ષની શરૂઆતમાં કોઈ એક શાળામાં ત્રીસ વિદ્યાર્થીઓએ આરટીઈ મુજબ પ્રવેશ લીધો હોય અને વર્ષના અંતે પાંચ છ વિદ્યાર્થીઓ શાળા છોડીને અન્ય શાળામાં જતા રહેતા હોય છે ત્યારે આ લોકો પૂરેપૂરા ત્રીસ વિદ્યાર્થીઓના રૂપિયા દશ હજાર અને ત્રણ હજાર લેખે જમા કરે અને બાકીના વધારાના રૂપિયાની રોકડી કરી લેતા હતા.એવી જ રીતે કોઈ એક શાળાની એફ.આર.સી. મુજબ 7500/- કે 8000/- ફી મંજુર થયેલ છે તો પણ આ ભ્રષ્ટાચારીઓએ પૂરેપૂરા વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ 10000/- દશ હજાર જમા કરી બાકીના ઉપરના રૂપિયા રોકડા કે ચેકથી લઈ ખોટા ચલણ બનાવી જે તે શાળાને ધાબડી દીધા હોવાનું બહાર આવ્યું છે, શિષ્યવૃતિ અને આ બધા કૌભાંડ વર્ષ-૨૦૧૯ માં બહાર આવ્યા હતા,જે તે વખતે તપાસ કમિટી પણ નીમવામાં આવી હતી પણ જે તે વખતે હમણાં જ રૂપિયા એક લાખના લાંચ લેતા એસીબીની ઝડપે ચડી ગયેલા મોરબીના તત્કાલીન ડીપીઈઓ અને હાલ દાહોદના ડીપીઈઓ મયુર પારેખે અરવિંદ પરમાર નામના શિક્ષકને ઝીંઝુડા શાળા મોરબી બદલી કરીને ભ્રષ્ટાચારની ફરિયાદનું ભીનું સંકેલી લીધું હતું હાલ ફરી એક ભ્રષ્ટાચારનું ભૂત ધુણયુ છે છેલ્લા ત્રણ મહિનાથી તપાસ ચાલી રહી છે છતાં હજુ સુધી ભ્રષ્ટાચારીઓનો વાળ વાંકો નથી થયો જેની સહીથી આ બધા ગોટાળા થયા છે, ખોટા બિલો જેની સહીઓ બોલે છે એ અધિકારી રજા પર ઉતરી ગયા છે કે ઉતારી દેવાયા છે એવી ચર્ચાઓ થઈ રહી છે, સત્તાધીશો અને અધિકારીઓ ભ્રષ્ટાચારના મુખ્ય ભેજાબાજને બચાવવા અને છાવરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે,તો શું વાંકાનેર શિક્ષણ જગતમાં લાખો રૂપિયા સગે વગે કરનારનું કંઈ નહીં થાય? એવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે.
