ગુજરાતમાં ભાજપ સરકારનો અહંકાર ચરમ સીમાએ હોવાનું જણાવતા શક્તિસિંહ
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલે આજે મોરબીમાં પત્રકાર પરિષદને સંબોધી ભાજપ સરકારને આડેહાથ લઈ ગુજરાતમાં સરકાર સામે અવાજ ઉઠાવનાર વિરુદ્ધ ખોટા કેસ અત્યાચાર થતા હોવાનો આરોપ લગાવ્યો હતો સાથે સાથે મોરબીને સરકારી મેડિકલ કોલેજની જાહેરાત બાદ મળતીયાઓ માટે ખાનગી મેડિકલ શરૂ કરવાની હિલચાલ સામે પણ કોંગ્રેસ લડત આપી સરકારી કોલેજ માટે મોરબીમાં બિનરાજકીય ચળવળ શરુ કરશે તેમ જણાવ્યું હતું.
મધ્યસ્થ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સરકારનો અહંકાર ચરમ સીમાએ પહોંચ્યો છે. આજે ગુજરાત સરકાર સામે આવાજ ઉઠાવનારા લોકોને જેલમાં પુરી દઈ અત્યાચાર ગુજરાવામાં આવે છે તેમ જણાવી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ તેમજ મહિલા પોલીસ કર્મચારી નીલમબેન ઉપર સરકારે ગુજારેલા સીતમો યાદ કરી સરકારને આડેહાથ લઈ સિતમ અત્યાચાર સામે કંસ અને અંગ્રેજોનું પણ પતન થયું હોવાનું કહી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા.