ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં પાંચ વર્ષ સુધી નરાધમ પિતાએ પુત્રીને પીંખી
ટંકારા: ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પિતા પુત્રીનાં સંબંધોને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જ્યાં ભોગ બનનાર પુત્રીનો પિતા છેલ્લા પાંચ વર્ષથી સગીરા સાથે દુષ્કર્મ આચરતો, મારકૂટ કરીને ધમકી આપતો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની રહેવાસી ભોગ બનનાર યુવતીએ પિતા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે યુવતી સગીર વયની હતી ત્યારથી એટલે કે છેલ્લા પાંચ વર્ષથી તેનો પિતા સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી સગીરા સાથે મારકૂટ કરતો હતો અને ધમકી આપતો હોવાની ફરિયાદ ભોગ બનનારે નોંધાવી છે.
ટંકારા પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન એક ગામની ભોગ બનનાર યુવતી તેની પાસે આવી હતી અને પોલીસને જણાવ્યું હતું કે તેને ઘરે ગમતું નથી અને સાથે લઇ જાવ કહેતા ટંકારા પોલીસે સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કર્યો હતો અને બે દિવસ પૂર્વે કાઉન્સેલિંગ માટે લાવ્યા હતા જ્યાં તેને સમગ્ર આપવીતી જણાવી હતી અને સખી વન સ્ટોપ સેન્ટરમાંથી ટંકારા પોલીસને સમગ્ર બનાવ અંગે જાણ કરવામાં આવી હતી જેથી ટંકારા પોલીસે આરોપી પિતા વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.