ભાઈ બહેનના વ્યાજ અને નિર્વ્યાજ પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધન.
ભાઈના કાંડે રાખડી બાંધવી બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુઓમાં બહેનના હૃદયનો નિર્વ્યાજ પ્રેમ છે. રક્ષાબંધન જીવનમાં અનેક બંધનોની રક્ષા કરે છે.
સ્વાર્થના પડછાયા થી અંકિત થયેલ જગતના સઘળા સંબંધોની વચ્ચે નિસ્વાર્થ અને પવિત્ર એવી ભાઈ બહેન ની સાચી પ્રેમ સગાઈ એ જાણે ખારા સંબંધોની વચ્ચે સાંપડતી કોઈ મીઠી વીરડી જેવી આશ્ચર્યકારક લાગે છે. આપણા દેશમાં ભાઈ બહેન ની પ્રીતના પ્રતીક સમા બે તહેવાર ઉજવાય છે. એક રક્ષાબંધન અને બીજો ભાઈ-બીજ, શ્રાવણી પૂર્ણિમાએ આવતો રક્ષાબંધનનો તહેવાર અનેરૂ મહત્વ ધરાવે છે.
ભારતીય સંસ્કૃતિ તેમ જ તેના પ્રવર્તક ઋષિઓએ આ સંબંધની નિ:સ્પૃહતા અને પવિત્રતાનું મહિમા ગાન કર્યું છે. ભારતીય સંસ્કૃતિ એટલે માનવ જીવનની મહાનતાના દર્શન કરાવનાર સંસ્કૃતિ સ્ત્રીને ભોગદાસી ન સમજતા તેનું પૂજન કરનારી સંસ્કૃતિ. ” યત્ર નાર્યસ્તું પૂજ્યંતે રમન્વે દેવતા:” જ્યાં સ્ત્રીઓ પૂજાય છે તેનું માન સચવાય છે ત્યાં દેવતાઓ રમે છે એટલે કે ત્યાં દેવતાઓનો વાસ હોય છે તેવું ભગવાન મનુંનું વચન છે.
ભાઈને રાખડી બાંધતા પહેલા બહેન તેના મસ્તક પર તિલક કરે છે આ કેવળ ભાઈના મસ્તકની પૂજા નથી પણ ભાઈના વિચારોને બુદ્ધિ પરના વિશ્વાસનું દર્શન છે બહેન જ્યારે ભાઈના કપાળે કુમકુમ તિલક કરે છે ત્યારે સામાન્ય લાગતી એ ક્રિયામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયા સમાયેલી છે સામાન્ય દ્રષ્ટિથી જગતને જોતી રહેતી બે આંખો ઉપરાંત ભોગ ભૂલીને ભાવદ્રષ્ટિથી જગતને જોવા માટે જાણે કે ત્રીજી એક પવિત્ર આંખ આપીને બહેન પોતાના ભાઈને ત્રિલોચન બનાવ્યો હોય તેવો સંકેત એ ક્રિયામાં જણાય છે ભગવાન શંકર એ ત્રીજું નેત્ર ઉઘાડીને કામને ભસ્મ કરી નાખ્યો હતો તેમ બહેન પણ ભાઈનું ત્રીજું નેત્ર બુદ્ધિનું લોચન ખોલીને વિકાર વાસના ઈત્યાદિને ભસ્મ કરવાનું સૂચવતી હોય છે. બહેનની આંખો હંમેશા ભાઈ પર અમી વર્ષા વરસાવતી હોય છે તેની વાણી દિલમાં રહેલા કામના ના અલંકારને ઉલ્લેચી ભાઈ ને કર્તવ્ય ની કેડીએ આગળ વધતો કરી મૂકે છે લોખંડની મજબૂત બેડીને તોડવા સમર્થ એવો ભાઈ બહેનને બાંધેલી એ કાચા સુતરના રક્ષણના બંધન તોડી શકતો નથી તેમ જ તેની મર્યાદા નો ઉલ્લેખન કરી શકતો નથી રક્ષાએ કેવળ સુતરનો દોરો નથી. એ તો જ સ્નેહનું રક્ષણ કરતું તેમાં જીવનમાં સંયમની મહત્તા સમજાવતું પવિત્ર બંધન છે.
ભાઈના હાથે રક્ષાબંધી બહેન કેવળ પોતાની રક્ષા ઈચ્છે છે એટલું જ નહીં પરંતુ સમસ્ત સ્ત્રી જાતિને પોતાના ભાઈનું રક્ષણ મળે એવી ઈચ્છા રાખે છે સાથોસાથ બાહ્ય શત્રુઓ અને આંતર વિકારો ઉપર પોતાનો ભાઈ વિજય મેળવ્યે કાં તો તેનાથી સુરક્ષિત રહે એ ભાવના પણ તેમાં સમાયેલી છે.
“બહેન તારી રક્ષા કાજે જરૂર પડે તો સર્વસ્વ આપવાની તૈયારી છે” તેવા પવિત્ર રક્ષાબંધનના તહેવાર પર આપ સર્વેને રક્ષાબંધનની ખુબ ખુબ શુભેચ્છાઓ