મોરબીના ઘુંટુ રોડ અજાણ્યા ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને હડફેટે લેતા પત્નીનું મોત
મોરબીના ઘુંટુ રોડ ઉપર અજાણ્યા ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને હડફેટે લેતા બન્નેને ઇજાઓ પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા પત્નીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ મુદ્દે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ફરિયાદી નારણભાઇ વિરજીભાઇ મુંધવાએ જણાવ્યું હતું કે તે મહેન્દ્રનગર ઘુટુ રોડ ઉમા રેસીડન્સી સોસાયટીના ગેટની સામે રોડ ઉપર તેમના ધર્મપત્ની સાથે બાઈક પર જતા હતા. એ સમયે અજાણ્યા ટ્રક ચાલક આરોપીએ પોતાના હવાલા વાળી ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી નારણભાઇના મો.સા રજી નંબર-GJ-36-N-1400 ને પાછળના ભાગે હડફેટે લઇ વાહન અક્સ્માત સજર્યો હતો. જેમાં નારણભાઇ અને પત્ની બાઈક પરથી નીચે પડી જતા નારણભાઇને શરીરે મુઢ માર લાગ્યો હતો તેમના પત્નીને ડાબી બાજુ માથાના ભાગે તથા ડાબી આખના ભાગે તથા ડાબા હાથના ભાગે ગંભીર ઇજા થઈ હતી, જ્યાં બન્નેને પ્રથમ મોરબી સમર્પણ હોસ્પીટલમા અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં નારણભાઇના પત્નીનું ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
હાલ મોરબી તાલુકા પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ વી એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.