વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પુર્ણ, હાઇકોર્ટના આદેશ બાદ પરિણામ અનામત
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજે ચૂંટાયેલ સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં બેંકના પ્રતિનિધિની ઠરાવ બાબતે મામલો હાઈકોર્ટમાં હોવાના કારણે પરિણામ અનામત રાખવામાં આવ્યું છે, જેથી મતદાન પેટીને સીલ મારી હાઇકોર્ટના ચુકાદા બાદ મતગણતરી કરવાનો નિર્ણય લેવાયો છે.
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ભારે રસાકસીભરી ચૂંટણીમાં કુલ 12 બેઠકોમાંથી 6 બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે, જ્યારે બાકી 6 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા, જેના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સરકારી બેંકના પ્રતિનિધિનો મત મહત્વનો બની ગયો હતો, જેમાં બેંક પ્રતિનિધિના જુના અને નવા ઠરાવ બાબતે મામલો હાઈકોર્ટમાં પહોંચતા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના પરિણામને અનામત રાખવામાં નિર્ણય લેવાયો છે.