હળવદ: બાઇકમાં કાવા મારવાની ના પાડતા પિતા-પુત્રને મહિલા સહિત ચાર શખ્સોએ ફટકાર્યા
હળવદ: હળવદ શુકન બંગલોઝથી રાણેકપર ગામ વચ્ચે રોડ ઉપર બાઇકમાં કાવા મારવાનું સમજાવવા જતા શખ્સને સારું ન લાગતા યુવકનો કાંઠલો પકડી ઝગડો કરી અહી યુવકના પિતાજી આવી જતા યુવકના પિતાજીને લોખંડના પાઇપ વડે મારમારી ઈજા કરી અન્ય શખ્સોએ યુવકના પિતાજીને માર મારી તથા યુવકના ભાઈને પાઈપ વડે મુંઢમાર મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે યુવકે મહિલા સહિત ચાર શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા રાજુભાઇ નવઘણભાઈ ઉડેચા (ઉ.વ.૩૦) એ આરોપી રણછોડભાઈ ઉર્ફે ઘોઘો ચંદુભાઈ બાબરીયા, અશ્વીન ચંદુભાઈ બાબરીયા , ચંદુભાઈ પ્રભુભાઈ બાબરીયા તથા અણદીબેન ચંદુભાઈ રહે. બધા. રાણેકપર તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૦૪-૨૦૨૩ ના રોજ બપોરના બારેક વાગ્યાનાં સુમારે ફરીયાદીએ આરોપી રણછોડભાઈને બાઇકમાં કાવા નહી મારવાનુ સમજાવવા જતા આરોપી રણછોડભાઈને સારૂ નહી લાગતા આરોપીએ ફરીયાદીનો કાઠલો પકડી ગાળો બોલી બોલાચાલી કરી ઝઘડો કરી તેમજ અહી ફરીયાદીના પિતાજી આવી જતા ફરીયાદીના પિતાજીને આરોપી રણછોડભાઈએ લોખંડના પાઇપ વતી કપાળથી ઉપર માથાના ભાગે મારી ફુટ ઇજા કરી તથા આરોપી અશ્વિનએ લાકડાના ધોકા વતી ફરીયાદીના પિતાજીના જમણા હાથે કોણીથી નીચેના ભાગે મારી મુંઢ ઇજા કરી તથા આરોપી ચંદુભાઈ તથા અણદીબેનએ ફરીયાદીના પિતાજીને પકડી રાખી ઢીકાપાટુનો માર મારી તથા ફરીયાદીના ભાઇ સાગરને આરોપી રણછોડભાઈએ જમણા હાથના ખંભા નીચે પાઇપ મારી મુંઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર રાજભાઈ મહિલા સહિત ચારે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
