ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે છેલ્લા ઘણા મહિનાઓથી અટકળો ચાલી રહી છે. કાગવડ ખાતે સમાજની ત્રણેય સંસ્થાઓના હોદ્દેદારોની બેઠક બોલાવવામાં આવી છે. તેમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ નહીં કરે તેવું લાગી રહ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તથા લેઉવા પટેલ અતિથિભવન સોમનાથ એવી ત્રણેય સંસ્થાઓના હોદ્દેદારોની આજે સવારે સરદાર પટેલ ભવન ખાતે મીટીંગ યોજવામાં આવી હતી. નરેશ પટેલ તથા અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંસ્થાઓની સામાજીક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત રાજકીય બાબતે ગુરૂવારે કાગવડમાં મીટીંગ રાખવાનું નકકી કરવામાં આવ્યું હતું.
મીડિયા અહેવાલ અનુસાર ત્રણેય સંસ્થાઓના ટ્રસ્ટીઓને ગુરૂવારે કાગવડની મીટીંગમાં હાજર રહેવા માટેના સંદેશા મોકલવામાં આવ્યા છે. આ બેઠકમાં રાજકીય ચર્ચા થશે. નરેશ પટેલ દ્વારા પોતાના રાજકીય નિર્ણય વિશે ટ્રસ્ટીઓને વાકેફ કરવામાં આવશે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ નહી કરે હાલ તો તેવા સંકેત મળી રહ્યા છે. રાજકારણમાં પ્રવેશ વિશે નરેશ પટેલ દ્વારા ખોડલધામની રાજકીય કમીટી મારફત સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં યુવાનો તથા મહિલાઓએ તેમને રાજકીય પ્રવેશ માટે સમર્થન કર્યું હતું જયારે વડીલોએ સામાજીક કામગીરીને અસર થવાની શંકા દર્શાવીને રાજકારણથી દૂર રહેવા સૂચવ્યું હતું. નરેશ પટેલે વડીલોની વાત માનીને રાજકારણ પ્રવેશવાનું માંડી વાળ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું છે જોકે રાજકીય વર્તુળોએ એવી શંકા દર્શાવી છે કે નરેશ પટેલે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર મારફત સર્વે કામગીરી કરાવી હતી અને તેમની સલાહ મુજબ જ આગળ વધવાના હતા.
પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચે મનમેળ થયો ન હતો. અગાઉ પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાવાની વાત હતી પરંતુ તે તેના પર પડદો પડી ગયો હતો. એટલે નરેશ પટેલના પણ રાજકારણમાં જોડાવાની શકયતા ખૂબ જ ઓછી બની ગઇ છે. આમ છતાં તેમના દ્વારા કેટલાક વખતથી એક પછી એક મુદ્દત આપવામાં આવી રહી હતી હવે છેવટે ગુરૂવારે કાગવડ ખાતેની ટ્રસ્ટીઓની બેઠકમાં આખરી નિર્ણય લેવાશે.
