સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી અપૂરતા સ્ટાફના કારણે ત્યાં આવતા દર્દીઓને ખૂબ હાલાકી ભોગવવી પડતી રહી છે. અવાર નવાર સામાજિક કાર્યકરો દ્વારા કાયમી ખાલી પડેલ પોસ્ટ માટે નિમણુક કરવા રજૂઆતો કરવામાં આવતી હોય છે પરંતુ આજ સુધી સિવિલ હોસ્પિટલમાં ક્યારેય પૂરતો સ્ટાફ સ્થાપિત થઈ સક્યો નથી.
રાજ્યમાં શ્રમ અને પંચાયત નાં સ્વતંત્ર હવાલાના મંત્રી દ્વારા ઉત્સાહભેર સિવિલ હોસ્પિટલમાં તબીબો માટેની ખાલી પોસ્ટ પર નિમણુક કરવાના એલાન કરવામાં આવે છે પરંતુ છતાં પણ કોઈ તબીબોના દર્શન તો દુર્લભ જ રહે છે.
રાજ્યમંત્રી દ્વારા ત્રણ તબીબોની નિમણુક કરવાનું એલાન કરવામાં આવ્યો હતો જેને એક માસ થવા આવ્યો છતાં પણ હજુ સુધી ૨ તબીબો હાજર થયા નથી. એક તબીબ હાજરી પુરાવી રજા પર ચાલ્યા ગયા. ત્યારે શું સિવિલ હોસ્પિટલના કોઈ તબીબની દર્દીઓ પ્રત્યે જરા પણ ફરજ નથી બનતી ?
આ બાબતે કાર્યકરો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવતી હોય છે આંદોલન પણ કરવામાં આવ્યા છે પરંતુ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હંગામી ધોરણે તમામ ખાલી જગ્યાઓ ભરવા માટે માંગણી ઉઠી છે.
