મોરબી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ દરેક પક્ષ પોતાના ઉમેદવારને વિજેતા બનાવવા પોતાના પક્ષના દિગ્ગજ નેતાઓને પ્રચારમાં ઉતારી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાની ત્રણ બેઠકોનુ મતદાન પ્રથમ તબક્કામાં થનાર છે અને મતદાન આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે મોરબીમાં ભાજપના નેતા પરસોતમ રૂપાલાની જાહેરસભા યોજાઈ હતી. જેમાં રાજ્યસભાના સાંસદ અને ભાજપના પ્રચારક પરસોતમ રૂપાલાએ અગાઉ જેવા છટાદાર ભાષણ સાથે મતદારોને ગુજરાતમાં ભાજપની સરકાર બનાવવા હાકલ કરી હતી.
મોરબીના ધુનડા રોડ ઉપર રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે મોરબી અને ટંકારાના ભાજપના ઉમેદવારના સમર્થનમાં પરસોતમ રૂપાલાની જાહેર સભા યોજાઈ જેમાં રૂપાલાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે છેલ્લા ૨૫ વર્ષથી લોક કલ્યાણના કામો કર્યા છે જેમ કે શિક્ષણ, આરોગ્ય, પાણી સહિતના કામો ગણાવ્યા હતા.
આ સભામાં પરસોતમ રૂપાલાએ વધુમાં જણાવ્યું કે દિલ્હીની ગાદી પર બેસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજપથ ઉપર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા લગાવ્યાનું યાદ કરાવ્યું હતું અને જે વટ વાળા હોય તેમની સાથે રહી મતદારોને ભાજપના બન્ને ઉમેદવારોને જંગી લીડ સાથે જીતાડવા ટકોર કરી હતી. પરસોતમ રૂપાલાએ પોતાના ભાષણમાં જણાવ્યું કે આટલા વર્ષો પછી પણ મોરબીમાં પ્લેન ઉતારી શકાતુ નથી હેલીકૉપટરમાં આવવું પડે છે. છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે અને મોરબીનો સીરામીક ઉદ્યોગ બીજા નંબરનો છે ત્યારે વહેલામાં વહેલી તકે ભાજપ સરકાર મોરબીમાં મંજુર થયેલ એરપોર્ટ બનાવે તો આગામી ચૂંટણીમાં હુ પ્લેનમાં બેસીને આવી શકું તેમ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું.
