વિશ્વઉમિયાધામ ખાતે અંખડ રામધૂનનનું આયોજન કરાયું
વિશ્વઉમિયાધામ ખાતે અયોધ્યાથી આવેલી દિવ્ય જ્યોતની પૂજા-અર્ચના કરાઈ
500 વર્ષની પ્રતિક્ષા હવે પૂર્ણ થઈ. પ્રભુ શ્રી રામલલ્લાની અયોધ્યાના સરયૂ કાંઠે નિર્માણ પામેલા ભવ્ય અને દિવ્ય મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા થઈ. જે ધન્ય ઘડીએ વિશ્વઉમિયાધામ અમદાવાદ દ્વારા રામધૂનનું આયોજન કરાયું હતું. અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વઉમિયાધામ મંદિર પરિસરમાં 22 જાન્યુઆરીના શુભદિને અખંડ રામધૂન યોજાઈ હતી. જેમાં અનેક રામભક્તો જોડાયા હતા. તો વળી અયોધ્યાથી આવેલી જ્યોત વિશ્વઉમિયાધામ મંદિર ખાતે પધરાવાઈ હતી. જ્યારે પવિત્ર જ્યોત વિશ્વઉમિયાધામ ખાતે પહોંચી ત્યારે તેના વધામણાં કરાયા હતા. તો વળી પવિત્ર જ્યોતની પૂજા-અર્ચન પણ કરાઈ હતી. રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા અને વિશ્વઉમિયાધામ ખાતેની ઉજવણી અંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખશ્રી આર.પી.પટેલ જણાવે છે કે 500 વર્ષના અજ્ઞાતવાસ બાદ પ્રભુ શ્રી રામ ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં બિરાજ્યા છે. ત્યારે ગુજરાત અને સમગ્ર ભારતવર્ષ સહિત સમગ્ર દુનિયાના કરોડો હિંદુ માટે એ ધન્ય ઘડી આવી છે. ત્યારે આધ્યામિક ચેતના સાથે સામાજીક અને રાષ્ટ્રચેતનાની ભાવનાને ઉજાગર કરવા વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા અખંડ રામધૂન અને રામ ભગવાનના ભજનનું આયોજન કરાયું હતું. રામમંદિરનું નિર્માણ એ અનેક વર્ષોની તપસચર્યા અને કારસેવકોના બલિદાનનું પરિણામ છે.
