મોરબી જિલ્લામાં વર્ષ 2024-25માં સગર્ભા, બાળકો સહિત 47,112 લોકોનું રસીકરણ કરાયું
રસીકરણ એટલે સુરક્ષા કવચ, કોઈપણ રોગ કે બીમારીને મૂળમાંથી નાબૂદ કરવા તેમજ રોગ થાય પહેલા જ તેનું નિવારણ એટલે રસીકરણ. સરકાર દ્વારા રસીકરણને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને તે બાબતે લોકોને જાગૃત કરવા માટે પણ રસીકરણ અભિયાન જેવા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં પણ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ માટે અનેકવિધ આયોજન કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં સમગ્ર વર્ષ દરમિયાન સગર્ભા તેમજ બાળકો મળી કુલ ૪૭,૧૧૨ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય સેવાઓ વધુ સુલભ, સુગમ અને આધુનિક બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે દરેક વ્યક્તિને અત્યાધુનિક આરોગ્ય સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે સરકાર કામગીરી કરી રહે છે. ઘર ઘર અને જન જન સુધી આરોગ્ય સેવા સુગમ બનાવવાનો સરકારનો હેતુ સાર્થક બની રહ્યો છે. આજે રસીકરણ સીમાડે અને છેવાડે પહોંચ્યુ છે દરેકને રસીકરણનું સુરક્ષા કવચ પ્રદાન કરવાના ભગીરથ કાર્યમાં સરકારને સફળતા સાંપડી છે. મોરબીમાં આરોગ્યકર્મીઓ અને આશાવર્કર બહેનો દ્વારા ઘરે ઘરે જઈને લોકોને રસીકરણ માટે જાગૃત કરવામાં આવે છે. ક્યાંક છૂટા છવાયા કસબામાં નિવાસ કરતા કે સ્થળાંતર કરતા લોકો પણ રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે આરોગ્યકર્મીઓ અને આશાવર્કર બહેનો સતત પ્રયાસરત રહે છે.
આરોગ્ય વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં રસીકરણ દ્વારા વર્ષ દરમિયાન સઘન રસીકરણ દ્વારા ૨૪૩૨૮ સગર્ભાને ધનુરની રસી સાથે ૨૨૭૮૪ બાળકો મળી ૪૭,૧૧૨ લોકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે
રસીકરણ એ અનેક જીવલેણ અને ગંભીર બીમારી સામે રક્ષણ નું અમોઘ શસ્ત્ર છે. ભૂતકાળ માં આપણે શીતળા નો રોગ સઘન રસીકરણની કામગીરી થી નાબુદ કરી શકયા છીએ અને પોલીયો ફ્રી ભારત ને બનાવી શક્યા છીએ. મોરબી જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએ ૧ GMERS મેડીકલ કોલેજ, ૨ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, ૫ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૬ અર્બન હેલ્થ સેન્ટર, ૨૨૪ આયુષ્માન આરોગ્ય મંદિર (સબ સેન્ટર) તેમજ ગ્રામ્યકક્ષાએ દરેક આંગણવાડી કેન્દ્રમાં રસીકરણની કામગીરી કરવામાં આવે છે.
નવજાત શિશુ અને બાળકોમાં થતા બાળરોગોનું માંદગી પ્રમાણ અને મરણના પ્રમાણને અટકાવવા માટે રસીકરણ મહત્વની ભૂમિકા ભજવે છે. માતા સગર્ભા બને ત્યારથી જ તેમની નિયમિત મુલાકાત અને આરોગ્ય તપાસ કરવામાં આવે છે. સગર્ભાવસ્થા દરમ્યાન ધનુર(TD)ની રસીના બે ડોઝ આપવામાં આવે છે. બાળકને જન્મ સમયે હિપેટાઇટીસ-બી, ઝીરો પોલીયો અને B.C.G.ની રસી આપવામાં આવે છે. બાળક દોઢ માસનું થાય ત્યારે પ્રથમ ડોઝ પોલીયો, પેન્ટાવેલેન્ટ, રોટા વાયરસ, F-IPV,PCV ની રસી આપવામાં આવે છે. બાળક અઢી માસનું થાય ત્યારે બીજો ડોઝ પોલીયો, પેન્ટાવેલેન્ટ, રોટા વાયરસની રસી આપવામાં આવે છે. બાળક સાડા ત્રણ માસનું થાય ત્યારે ત્રીજો ડોઝ પોલીયો, પેન્ટાવેલેન્ટ, રોટા વાયરસની રસી અને F-IPV અને PCV નો બીજો ડોઝ આપવામાં આવે છે અને બાળક નવ માસ નું થાય ત્યારે ઓરી-રૂબેલાનો પ્રથમ ડોઝ, F-IPV અને PCV નો ત્રીજો ડોઝ અને વિટામીન-A નો પ્રથમ ડોઝ આપવામાં આવે છે.