મોરબીમાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા સમારકામ કરાયું
વિવિધ માર્ગો પર પેચવર્ક, મેટલવર્ક અને સર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ
મોરબી જિલ્લામાં ચોમાસામાં વરસાદને કારણે નુકસાન પામેલા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ઝડપી, ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના નેતૃત્વ હેઠળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના રસ્તાઓ પર પેચવર્ક, મેટલવર્ક અને સર્ફેસિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
ચોમાસાના કારણે જિલ્લાના અનેક ગ્રામીણ અને શહેરી રસ્તાઓ પર ખાડાઓ, સપાટીનું ધોવાણ અને અન્ય નુકસાન થતા સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પડકારને પહોંચી વળવા, માર્ગ અને મકાન વિભાગે વરસાદના વિરામ બાદ તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરી છે. આ કામગીરીમાં પેચવર્ક દ્વારા ખાડાઓ ભરવા, મેટલવર્ક અને સર્ફેસિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
આ સમારકામથી મોરબી જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થામાં સુધારો લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેનાથી સ્થાનિક વેપાર, ખેતી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓની સાથે સલામત અને સુગમ રસ્તાઓના કારણે નાગરિકોની અવરજવર સરળ બને અને અકસ્માતોનું જોખમ પણ ઘટે તે માટે સ્ટેટ હાઇવે થી ગોર ખીજડીયા, વનાળીયા ને જોડતો રોડ, લૂંટાવદર એપ્રોચ રોડ તથા ચાચાપર ગાંધીનગર રોડ સહિતના રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવી રહ્યું છે અનેક અનેક રસ્તાઓનો સમારકામ પૂર્ણ પણ કરી દેવામાં આવ્યું છે.