Sunday, May 31, 2026

પશ્ચિમ કચ્છમાં SMCનો મેગા દરોડો; ₹5.09 કરોડનો વિદેશી દારૂ અને મુદ્દામાલ ઝડપાયો

​ભુજ, પશ્ચિમ કચ્છ
તારીખ: 20/02/2026
​સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત પશ્ચિમ કચ્છના ભુજ તાલુકાના વડવાળા ગામમાં એક મોટી સફળતા મળી છે. બાતમીના આધારે SMCની ટીમે વડવાળા ગામના સર્વે નંબર 39માં ચાલતા દારૂના ‘કટીંગ’ પર દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસ દ્વારા કુલ ₹5,09,06,270 (પાંચ કરોડ નવ લાખ છ હજાર બસો સિત્તેર) ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે કચ્છ જિલ્લામાં તાજેતરના સમયનો સૌથી મોટો દરોડો માનવામાં આવી રહ્યો છે.
​દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 56,088 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત આશરે ₹4,00,85,270 થાય છે. આ દારૂના જથ્થાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા 02 ટાટા ટ્રક, 03 ટાટા મીની ટ્રક અને 01 મહિન્દ્રા પિકઅપ સહિત કુલ 06 વાહનો (કિંમત ₹1,08,21,000) પણ કબજે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, બે મોબાઈલ ફોન અને અન્ય સાધન-સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.
​આ કેસમાં પોલીસે સ્થળ પરથી બે આરોપીઓ, જસરામ જગા ભરવાડ (રહે. રાપર) અને વિશાલ બિરેન કરમકમ (રહે. અંજાર-ગાંધીધામ) ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 23 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વોન્ટેડ આરોપીઓની યાદીમાં મુખ્ય રિસીવર અને લિસ્ટેડ બુટલેગર નવજ્યોત ઉર્ફે નવઘણ રાજગોર (ભુજ), અનોપસિંહ રાઠવા (રાપર/ભુજ), દેવેન્દ્ર ઉર્ફે દેવો કાપડી (ગાંધીધામ) તેમજ હરિયાણાના મેવાતથી દારૂ સપ્લાય કરનાર મુસ્તફા ઉર્ફે રાહુલ ઉર્ફે મહાકાલ પઠાણનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય વાહનોના માલિકો અને ચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
​સમગ્ર મામલે પદ્ધર પોલીસ સ્ટેશનમાં ગુજરાત દારૂબંધી અધિનિયમની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 111(2)(B), 111(3)(4) અને 238 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સફળ રેડ SMC ના PSI એસ.વી. ગલચર અને તેમની ટીમ દ્વારા પાડવામાં આવી હતી. હાલમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img