ABPSSની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારીણી મીટીંગ નવી દિલ્હી ખાતે સંપન્ન : જિજ્ઞેશ કાલાવડિયાની પુનઃ રાષ્ટ્રીય અધ્યક્ષ પદે વરણી
2, ઓકટોબરથી પત્રકાર સુરક્ષા યાત્રાનું પોરબંદરથી થશે પ્રસ્થાન : નવેમ્બરમાં દિલ્હીમાં સમાપન
આગામી સમયમાં રાષ્ટ્રીય કાર્યકારીણીનું થશે વિસ્તરણ : રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે રાકેશપ્રતાપસિંહ પરિહાર (છત્તીસગઢ) અને મહેફૂઝખાન (મહારાષ્ટ્ર)ની નિમણુંક
નવી દિલ્હી તા.૭ દેશનાં સૌથી મોટા પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ – નવી દિલ્હી (ABPSS) ની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારીણી ની બેઠક નવી દિલ્હી ના જાટ ભવન ખાતે સંપન્ન થઈ હતી જેમાં પત્રકાર જગત ના અગત્યનાં પ્રશ્નો પર ચર્ચા વિચારણા બાદ મહત્વના ઠરાવો પારિત કરવામાં આવ્યા છે.
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની રાષ્ટ્રીય કક્ષાની આ અહમ અને નિર્ણાયક બેઠકમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર સફળતા પૂર્વક પહેલી ટર્મ પૂર્ણ કરી સમગ્ર પત્રકાર જગત ને જેમના નેતૃત્વ હેઠળ છત્તીસગઢ માં પત્રકાર સુરક્ષા કાનૂન પ્રાપ્ત થયો છે તેવા સમગ્ર દેશભરનાં પત્રકારોમાં લોકપ્રિય અને નિર્વિવાદ વ્યક્તિત્વ ધરાવતા જિજ્ઞેશ કાલાવડિયા ની ફરીથી આગામી પાંચ વર્ષના બીજા ટર્મ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર સર્વાનુમત્તે પુનઃ નિયુક્તિ કરવામાં આવી હતી. સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે બે કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સર્વ રાકેશપ્રતાપસિંહ પરિહાર (છત્તીસગઢ) અને મહેફૂઝ ખાન(મહારાષ્ટ્ર )ની રાષ્ટ્રીય કાર્યસમિતિ સદસ્યો દ્વારા સર્વાનુમત્તે વરણી કરવામાં આવેલ છે.
નવી દિલ્હી ખાતે મળેલી આ બેઠકમાં દેશભર ના પત્રકારો સુધી પત્રકાર સુરક્ષા કાનૂનનો નાદ બુલંદ કરવા માટે એક જાગૃતિ અભિયાન ના ભાગરૂપે પત્રકાર સુરક્ષા યાત્રા નીકળવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આગામી ૨, ઓકટોબર ગાંધી જયંતિ ના દિવસે પોરબંદરથી યાત્રાનું પ્રસ્થાન થશે જે દેશનાં વિવિધ રાજ્યોમાં પત્રકારો વચ્ચે ફરીને નવેમ્બર મહિનામાં દિલ્હી ખાતે વિરામ પામશે. આ યાત્રા માં સામજિક કાર્યકરો અને પત્રકાર હિત ઈચ્છતા સામાન્ય નાગરિકોને પણ સાથે જોડવાનું નક્કી કર્યું છે. યાત્રાની સમાપ્તિ બાદ દેશનાં વિવિધ રાજકીય પક્ષ ના સર્વોચ્ચ નેતાઓ સાથે બેઠક કરી આગામી લોકસભા ચૂંટણીમાં પત્રકાર સુરક્ષા કાનૂન નો મુદ્દો તેમનાં ચૂંટણી એજન્ડા માં સામેલ કરવા માટે વિનંતી પત્ર સુપરત કરવામાં આવશે. દરેક રાજ્ય એકમને અત્યારથી જ યાત્રાને સફળ બનાવવા માટે તૈયારી શરૂ કરી દેવા માટે રાષ્ટ્રીય કાર્ય સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હી ખાતે યોજાયેલી આ રાષ્ટ્રીય બેઠકમાં 22 રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા. ગુજરાતમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા ઉપરાંત કાર્ય સમિતિ સદસ્યો સુજલ મિશ્રા, બાબુલાલ ચૌધરી, જમાલ મેઘરજ અને મિતવર્ધન ચંદ્રબૌદ્ધી (કાનૂની સલાહકાર) ઉપસ્થિત રહ્યાં હતા.