મોરબી:કોંગ્રેસ સ્થાપના દિવસની જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો આજ રોજ 28 ડિસેમ્બરના રોજ સ્થાપના દિવસ નિમિતે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આજે કોંગ્રેસે 138 વર્ષ પૂર્ણ કરીને 139મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે આજે 28 ડિસેમ્બરના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરીને કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના ઈતિહાસની વાત કરવામાં આવી હતી અને કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવા તમામ આગેવાનો, કાર્યકરોને આહવાન કરાયું હતું. સાથે જ આગામી લોકસભા ચૂંટણીને લઈને કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા, તાલુકા, શહેર સમિતિના તમામ હોદ્દેદારો, જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકાના સભ્યો, ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો, દરેક ફ્રન્ટસેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો તથા સર્વે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.