ઘુંટુ ગામેથી ગ્રામજનોએ પકડેલ કેમિકલયુક્ત પ્રવાહી ભરેલા ટેન્કર મામલે ભીનું સંકેલાય ગયું ??
થોડા દિવસ પહેલા મોરબી તાલુકાના ઘુંટુ ગામેથી કેમિકલયુક્ત પ્રવાહી ભરેલ ટેન્કર ઘુંટુના ગ્રામજનો દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું જેમા ટેન્કરચાલકના બચાવમાં મોડી રાત્રે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વિડીઓ બનાવી ટેન્કર ચાલકનો બચાવ કર્યો હતો ત્યારબાદ ટેન્કરમાં ભરેલ કેમિકલયુક્ત પ્રવાહીનું જીપીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવ્યું હતું જે સેમ્પલને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યું હતું. આ અંગે જીપીસીબીના અધિકારી સાથે વાત કરતા તેઓ જણાવી રહ્યા છે કે, સેમ્પલનો રિપોર્ટ આવી ગયો છે ! તો સાહેબ કાર્યવાહી કરવામાં તમે કોની રાહ જુઓ છો ? આ મેટર રાજકારણી દ્વારા દબાવી દેવામાં આવી છે ?
મોરબી તાલુકાના ઘુંટુ ગામેથી થોડા દિવસ પહેલા કેમિકલયુક્ત પ્રવાહી ભરેલ ટેન્કર ઘુંટુના ગ્રામજનો દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું અને જીપીસીબીને જાણ કરવામાં આવી હતી. જીપીસીબી દ્વારા સ્થળ પર જઈને મોડી રાત્રે આ પ્રવાહીના નમુના લેવામાં આવ્યા હતા તેમજ મોરબી તાલુકા પોલીસને જાણ પણ કરવામાં આવી હતી જેને લઈને જેતે પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ટેન્કર સાથે ગ્રામજનોએ પકડેલ વ્યક્તિને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. આ ઉપરાંત ઘૂંટુના ગ્રામજનોએ ટેન્કરને તાલુકા પોલીસ મથકે મોડી રાત્રે સોંપી દીધું હતું.
આ સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોમાં ખૂબ રોષ જોવા મળ્યો હતો. ગામના પચાસથી વધુ આગેવાનો જીપીસીબી કચેરીએ દોડી ગયા હતા અને ઉગ્ર રજૂઆત પણ કરી હતી તેમજ આ કેમિકલ માફીયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવા સહિતની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
આ બાબતે જીપીસીબીના મોરબી જીલ્લાના અધિકારી મહેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે, હાલ આ ટેન્કરમાંથી લિધેલ નમુનાનો તપાસણી અર્થે ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલેલ હોય જેનો રિપોર્ટ આવ્યે આગળની કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
આ બાબતે શનિવારે અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, રિપોર્ટ આવી ગયો છે અને ટેન્કરમાં ભરેલ પ્રવાહી એસિડિક હોય તેવું સાબિત થયું છે તો સાહેબ હવે આ ઘટનામાં કાર્યવાહી કેમ હજુ થઈ નથી ? શું જે તે સમયે કાંતિલાલ અમૃતિયા જે પ્રકારે મોડી રાત્રે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી કેમિકલ માફીયાઓના બચાવમાં ઉતર્યા હતા. શું તેના કારણે આ ગ્રામજનોએ પકડી પાડેલા ટેન્કર બાબતે ભીનું શંકેલાય રહ્યું છે ? કે પછી આવતા દિવસોમાં આ કેમિકલ માફીયાઓ પર દાખલો બેસી શકે તેવી કોઈ કાર્યવાહી કરવામાં આવશે. હવે આગામી દિવસોમાં એ જોવુ રહ્યુ કે કોઈ કાર્યવાહી થાય છે કે ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન થશે કે નહીં તે જોવું રહ્યું !