આજના દિવસે જ થઈ હતી મચ્છુ ડેમ હોનારત, હજારોએ ગુમાવ્યા હતા જીવ
મોરબી મચ્છુ ડેમ તુટવાની આજે 44મી વરસી છે આવો જાણીએ કે એ દિવસે ખરેખર શું બન્યુ હતુ અને કેમ બન્યું હતુ?
ભારતના દિલ્હીમાં અમેરિકાથી ફોન આવે છે કે, ગુજરાતની મચ્છુ નદીનો ડેમ તુટ્યો છે અને વિનાશ વેરી રહ્યો છે. ત્યારે જાગેલું તંત્ર અને એ વખતે હાજર લોકો આજે પણ એ કાળાદિવસને યાદ કરતા કંપી ઉઠે છે. હા આજથી બરાબર 44 વર્ષ પહેલા 11મી ઓગસ્ટ 1979માં મચ્છુ નદીની હોનારતે મોરબીને વેરાન કરી દીધુ હતુ. અમેરિકાની સેટેલાઈટ થ્રુ મોરબીમાં જળહોનારતની માહિતી મળી હતી.
તે દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન હતું, પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મરછુ-૨ ડેમ તૂટવા ની સાથેજ મોરબીમાં મોતનું તાંડવ થયું હતું. મરછુ ડેમના રાક્ષસી કાળના પાણીના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટક્યા હતા. એ સાથે મોરબી તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક મળી ન હતી.મકાનો, મોટી મોટી ઈમારતોને મરછુના પુરે એક જાટકે તહસ નહસ કરી દીધા હતા. જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મરછુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકોને ઉંચાઈ વળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ ,મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટયા હતા.
આ ઘટના એટલી દુ:ખદ હતી કે સ્થાનીકો આજે પણ ભુલી શક્યા નથી. હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને સ્થાનિકો દર વર્ષે શ્રદ્ધાંજલી આપે છે. છેલ્લા 44 વર્ષથી મૌન રેલી કાઢે છે. સ્મૃતિ સ્તંભ પાસે પહોંચી પોતાના સ્વજનોને યાદ કરે છે.
મોરબી શહેર ઉપરાંત મોરબી-માળીયા તાલુકાનાં 68 ગામડાઓની 1,53,000ની વસતિને ભારે અસર પહોંચી હતી. જેના પરીણાએ અનેક લોકો સહીત પશુઓએ જીવ ગુમાવા પડયા હતા. તો લાખોનું નુકસાન થવા પામ્યું હતું.