મોરબીના રંગપર ગામે કારખાનામાં શરીર પર લોડરનુ વ્હીલ ફેરવી દેતા યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઓરાજોન પેપર મીલ કારખાનાના કાટા નજીક શરીર ઉપર લોડરનુ વ્હીલ ફેરવી દેતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઓરાજોન પેપર મીલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા લાલારામભાઈ રામસુખભાઈ રવીદાસ (ઉ.વ.૪૪) એ આરોપી લોડર રજીસ્ટર નંબર -GJ-36-S-1952 ના ચાલક શીવબાબુ ગણેશપ્રસાદ રેદાસ (ઉ.વ.૨૦) રહે. મૂળ ઉત્તરપ્રદેશના હાલ ઓરાજોન પેપર મીલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨-૦૪-૨૦૨૪ ના રોજ સવારના છ વાગ્યાના અરસામાં ફરીયાદીના દિકરો મુકેશભાઇ ઉર્ફે. મુનેશભાઇ ઉવ.૧૮ વાળા નાઇટ શિફ્ટમા મજુરી કામે ગયેલ હતો અને મજુરી કામ પુરુ કરી કારખાનાની બહાર કાટાની બાજુમા પેપર ઓઢી પાથરી તેના ઉપર સુતો હતો તે દરમ્યાન લોડર રજીસ્ટર નંબર GJ-36-S-1952 વાળાના ચાલકે પોતાના હવાલાવાળુ લોડર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ફરીયાદીના દિકરા મુનેશભાઇ ઉર્ફે. મુકેશભાઇના શરીર ઉપર લોડરનુ વ્હીલ ફેરવી દેતા જમણા ખભામા તથા મસલમા તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે લાલારામભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
