આ અંધારા કારણે કોઈ દુર્ધટના બને અને કોઈ નો ભોગ લેવાઈ તે પહેલાં આ લાઈટો ચાલુ કરવી જોઈએ
ટંકારા: ટંકારાની લતીપર ચોકડી ખાતે બનાવવામાં આવેલ ઓવરબ્રિજ પર દિવાળી ટાઈમે અંધારા જોવા મળી રહ્યા છે બ્રીજ પર આવેલ લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે. જાણે કે આ લાઈટો શોભાની રાખવામાં આવી હોય તેમ લાગી રહ્યું અને તંત્ર ને પણ જાણે ઘોર અંધકારમાં રહેવાની આદત પડી ગઈ હોય તેવુ નજરે પડી રહ્યું છે.
જેમકે સરકાર દ્વારા આજકાલ રોડ રસ્તાના વિકાસની સાથે અનેક સુવિધાઓ પણ મૂકવામાં આવી રહી છે. તેમજ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર નેશનલ હાઈવે હોય રાજ્યગોરી માર્ગ હોય કે આંતરિક માર્ગોનો કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા ક્યાંક નવીનીકરણ તો ક્યાંક વિસ્તૃતિકરણના કામકાજો ચાલી રહ્યા છે. તેની સાથે રોડ રસ્તા ઉપર ચાર માર્ગો આવતા હોય ઓવરબ્રિજ હોય મોટા બસ સ્ટોપ હોય આ તમામ જગ્યાઓ પર સોલર લાઈટો પણ મૂકવામાં આવી રહી છે. ત્યારે હાલ ટૂંકા વર્ષો પૂર્વે જ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાની લતીપર ચોકડી ઉપર ઓવરબ્રિજ બનાવવા આવ્યો હતો જે ઓવરબ્રીજ ઉપર વધારાની સુવિધાના ભાગરૂપે સોલર લાઈટો પણ નાખવામાં આવી હતી.પરંતુ ટૂંકા સમયગાળામાં આ લાઈટો શોભાના ગાંઠિયા સમાન બની ચૂકી છે. ઘણા સમયથી લાઈટો બંધ હોવા છતાં તંત્ર દ્વારા પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને લાઈટો પાછળ કરવામાં આવેલ લાખોનો ખર્ચ આજે સરકારને માથે પડ્યો હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. તંત્ર દ્વારા આ કામ લોકોની સુવિધા આપવા કરવામાં આવ્યું છે કે પછી પ્રજાના પૈસા બરબાદ કરવા આવ્યું છે કે પછી ખાલી ચુંટણી સમયે ખોટા વાદાઓ કરી આશ્વાસન આપવા આવે છે. શું દિવાળી જેવા મહત્વના પર્વ ઉપર પણ ટંકારા ઓવરબ્રિજ પર અંધારપટ જોવા મળશે કે પછી તંત્ર જાગશે અને લાઈટો ચાલુ કરશે તે જોવું રહ્યું. લોકો દ્વારા પણ લાઈટો સત્વરે ચાલુ કરવા માટે માંગ ઉઠવા પામી છે.
