ટેટ-ટાટ પાસ ઉમેદવારની કાયમી શિક્ષક તરીકે ભરતી કરવા ધારાસભ્યને રજૂઆત
રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે અને દરેક વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને વિશ્વસ્તરીય શિક્ષણ મળે તેવા હેતુથી રાજ્ય સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરે તે જરૂરી છે જેથી ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા ધારાસભ્યને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું છે
ટેટ-ટાટ ઉમેદવારોએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રજૂઆત કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે તેવો ગેર વ્યાજબી નિર્ણય લેવામાં આવ્યો છે જેની સીધી અસર ગુજરાતના વિદ્યાર્થીઓના શિક્ષણ અને રાજ્યના વર્તમાન ટેટ-ટાટ પાસ બેરોજગાર ઉમેદવાર પર થશે જે વિદ્યાર્થીઓ-ઉમેદવારોના બિલકુલ હિતમાં નથી. જો જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ-ટાટ જેવી દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઈ જશે
ગુજરાતના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓના શિક્ષણના હિતમાં અને હજારો ટેટ-ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોને કાયમી સરકારી શિક્ષકની રોજગારી મળી રહે તે માટે જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતીની જગ્યાએ વહેલી તકે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે