મોરબી : દર વર્ષે તારીખ 25 એપ્રીલના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ મેલેરીયા દીવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય તેમના ભાગરૂપે મોરબી જીલ્લા પંચાયતનાં તમામ તાલુકાઓમાં મેલેરીયા અંગે જનજાગૃતિ લાવવા અને મેલેરીયા મુકત ગુજરાત-2022 નાં સંદેશા અંગે લોકોને જાણકારી આપવા હેતુથી મોરબી જીલ્લાનાં કુલ 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વિશ્વ મેલેરીયા દીવસની ઉજવણીનાં ભાગરૂપે લોકોમાં જનજાગૃતિ લાવવાનાં હેતુથી સૂત્રોચ્ચાર સાથે એક રેલીઓ યોજાઈ હતી.
આ ઉપરાંત વિવિધ આરોગ્ય સંસ્થાઓમાં મેલેરીયા જનજાગૃતિ અંતર્ગત સંદેશો આપતી રંગોળીઓ બનાવી લોકોને મેલેરિયા અંગે આરોગ્ય શિક્ષણ આપવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેમજ શાળાઓમાં મચ્છરના પોરા, ગપ્પી અને ગમ્બુશીયા નામની પોરાભક્ષક માછલીઓ દ્વારા નિદર્શન કરી વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી તેમજ ગ્રામ્ય લેવલે આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ દ્વારા જુથ ચર્ચા, વ્યક્તીગત સંપર્ક તેમજ મેલેરીયા અંગેનાં સાહીત્યનાં વિતરણ, લોક આગેવાનોનાં સંદેશાઓ દ્વારા વગેરે પ્રચાર પ્રસારનાં માધ્યમોથી લોકોને મેલેરીયા અંગે માહીતગાર કરવામાં આવ્યા હતા.
