માળીયા તાલુકાની પ્રાથમિક સુવિધાઓની માંગણીઓને લઈને આમરણાંત ઉપવાસ પર બેઠેલા ઝુલ્ફીકાર સંધવાણીએ જાહેરાત કરી હતી કે જો સરકાર માળીયા તાલુકાની પ્રાથમિક માંગણીઓ તા. 8 સુધીમાં નહીં સ્વીકારે તો માળીયામાં મોટો જનસમર્થન કાર્યક્રમ આપવામાં આવશે ત્યારે હજુ સુધી તંત્ર દ્વારા આમરણાંત ઉપવાસની દરકાર ન લેવામાં આવતા આજે બુધવારે સામાજિક કાર્યકરનાં ઉપવાસ આંદોલનના સમર્થનમાં હજારો લોકો જોડાયા હતા અને ગુજરાત મિંયાણા મુસ્લિમ સમાજના વડા અકબરહુસેન ભટ્ટીની અધ્યક્ષતામાં યોજાયેલ જાહેર સમર્થન કાર્યક્રમમાં માળિયા સહીત ગુજરાતભરના લોકો અને રાજકીય પક્ષોના આગેવાનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું અને જનસમર્થનમાં હજારોની ભીડ જોઈ તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓની માંગણીઓ સ્વીકારીને ચાર-પાંચ માંગણીઓ પર કામ શરૂ કરવામાં આવશે અને આગામી સમયમાં અન્ય માંગણીઓ પણ પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાની માંગણીઓ સ્વીકારવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને તમામ સામાજિક આગેવાનોની હાજરીમાં ધરણાનું સમાપન કરવામાં આવ્યું હતું.
