મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસની તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, “રાજ્યમાં કોરોના સંક્ર્મણની સ્થિતિ હવે નિયંત્રણમાં છે. અમે એવા જિલ્લાઓમાં લોકડાઉન વધારવા માંગીએ છીએ જ્યાં પોઝિટિવિટી રેટ ઊંચો છે અથવા જ્યાં બેડની ઉપલબ્ધતામાં કોઈ સમસ્યા નથી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આપણે કેટલીક જગ્યાએ પ્રતિબંધો હળવા કરી શકીએ છીએ.” આરોગ્ય પ્રધાન ટોપેએ જણાવ્યું હતું કે રાજ્યમાં રિકવરી રેટ ૯૩ ટકા સુધી પહોંચી ગયો છે. ગઈકાલે (ગુરુવારે) મળેલી કેબિનેટની બેઠકમાં એવી ચર્ચા કરવામાં આવી હતી કે લોકડાઉનને 15 દિવસ લંબાવવામાં આવે પરંતુ જે જિલ્લાઓમાં કેસ ઘટ્યા છે તેમાં રાહત મળી શકે છે, અંતિમ નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
છેલ્લા 24 કલાકના આંકડા
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્ર્મણના 21,273 નવા કેસ નોંધાયા છે, જે પછી રાજ્યમાં ચેપ ગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 56,72,180 થઈ ગઈ છે જ્યારે 425 દર્દીઓના મોતને કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા વધીને 92,225 થઈ ગઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર “મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીમાંથી પણ સારા સમાચાર મળ્યા છે. છેલ્લા 2-3 દિવસથી કોરોનાના નવા કેસ 5 થી નીચે આવી રહ્યા છે અને સક્રિય દર્દીઓ પણ માત્ર 50 હોવાનું જાણવા મળ્યું છે. એપ્રિલ મહિનામાં આ વિસ્તારના નવા ચેપગ્રસ્ત વ્યક્તિઓની સંખ્યા દરરોજ ૯૯ નોંધવામાં આવી રહી હતી. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે કોવિડ-19 મેનેજમેન્ટની “ધારાવી મોડેલ” અને રસીકરણ ઝુંબેશને કારણે આ વિસ્તારમાં બીજી લહેરને સફળતાપૂર્વક નિયંત્રિત કરવામાં ઘણી મદદ મળી છે.



 
                                    




