મોટા દહીંસરા ગામે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરનાર બે આરોપીઓને આજીવન કેદ
માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે વર્ષ 2016 માં જુના ઝગડાનો ખાર રાખી યુવકને છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવાના ગુન્હામાં મોરબી પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટે બે આરોપીઓને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે અને બંને આરોપીઓને રૂ. 10 હજારનો દંડ ચુકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
આ કેસની વિગત એવી છે કે, માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા અને ખેતીકામ કરતા વસુભાઈ જેસંગભાઈ મૈયડ ગત તા. 26/04/2016 ના રોજ રાત્રીના સમયે ઘરે ભોજન કરીને તેમના ભત્રીજા દિપકભાઈ ધીરુભાઈ મૈયડ તથા અન્ય વ્યક્તિઓ સાથે ગામના ઝાંપા પાસે બેઠા હતા તે દરમિયાન રાત્રીના અગીયારેક વાગ્યાની આસપાસ તેમના જ ગામના દિવ્યરાજસિંહ જયુંભા જાડેજા અને હરદેવસિંહ ભાવુભાઈ જાડેજા ત્યાં આવીને દીપકભાઈને થોડે દુર લઈ જઈ પાંચ વર્ષ પહેલાં થયેલી માથાકૂટનો ખાર રાખી દીપકભાઈ ઉપર છરી વડે તૂટી પડ્યા હતા. છરીના ઘા ઝીંકતા દીપકભાઈએ રાડારાડી કરતા વસુભાઈ જેસંગભાઈ મૈયડ તથા અન્ય લોકો ત્યાં દોડી ગયા હતા પણ બંને આરોપીઓ જીવલેણ હુમલો કરીને નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા દિપકભાઈનું મોત નીપજતા બનાવ હત્યામાં ફેરવાયો હતો.
આ બનાવમાં માળીયા પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેના વિરુદ્ધ ઈ.પી.કો કલમ 302, 114 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ કોર્ટમાં પુરાવા સાથે ચાર્જશીટ ફાઈલ કરી હતી ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલી જતા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ ડી ઓઝા સાહેબની કોર્ટે સરકારી વકીલ વિજયકુમાર જાનીની ધારદાર દલીલો ઉપરાંત 32 દસ્તાવેજી પુરાવા અને 20 મૌખિક પુરાવાઓને ધ્યાને લઈને બંને ઈસમોને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે અને બંને આરોપીને રૂ. 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.