મોરબી ધારાસભ્ય કાંતિભાઈનુ ગુજરાત સરકારમાં કંઈ જ ઉપજતું નથી: મોરબી જીલ્લા કોંગ્રેસ
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પર મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનાં વેધક સવાલ
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મીડિયાને લેખીતમાં જણાવ્યું છે કે મોરબી પાલીકાની બોડીને સુપરસીડ કરવામાં આવ્યા બાદ મોરબી-માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પાલીકાના વહીવટ ઉપર સતત નજર રાખી રહ્યા છે અને થોડા દિવસો પહેલા તેમણે એક વિડીયો મુક્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, મોરબી પાલીકાની ગટરમાં કોથળા, ગાભા, પથ્થર વગેરે જેવી વસ્તુઓ નાખી દેવામાં આવે છે. જેના કારણે ગટર ઉભરાતી હોય છે તેવું કહ્યું હતું. જો કે ગટરમાં કોથળા, ગાભા, પથ્થર નાખનાર કોઈ પકડાયેલ નથી.
ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલીકામાં અગાઉ થયેલ કામગીરી બાબતે ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજુઆત કરીને ઢોર, સ્ટ્રીટ લાઈટ સહિતના મુદ્દાઓને લઈને તપાસની માંગણી પણ કરેલી હતી. જો કે સરકારે કોઈ તપાસ કરી હોય તેવું હજુ સુધી સામે આવ્યું નથી ? કોઈની સામે પગલા લેવામાં આવેલ નથી ? એટલે મોરબીના ધારાસભ્યનું સરકારમાં કશું જ ઉપજતુ ન હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે. એટલું જ નહી ખુદ ધારાસભ્યએ કહ્યું હતું કે, નગરપાલીકામાંથી લુંટવા વાળાએ લુંટી લીધું છે હવે તે લોકોને મોરબી નગરપાલીકાના પગથિયા ભુલી જવાના છે. તો નગરપાલીકાને લુંટવા વાળાની સામે ધારાસભ્ય કે પછી સરકાર દ્વારા કેમ કોઈ પગલા લેવામાં આવતા નથી ?
જ્યારે ખાસ કરીને ધારાસભ્યએ થોડા દિવસ પહેલા મોરબીની આસપાસના વિસ્તારમાં જે સ્પા આવેલા છે. તેમાં ગોરખધંધા ચાલે છે તેવો પણ એક વિડીયો મુક્યો હતો. ત્યારબાદ પોલીસે પાસેરામાં પુણી જેટલી કામગીરી કરી હતી. પરંતુ આજની તારીખે પણ સ્પામાં ઘણું બધું ગેરકાનુની ચાલી રહયું છે તેવું લોકો કહી રહ્યા છે. તેમ છતાં ધારાસભ્ય કે પછી પોલીસ તેની સામે કેમ હવે આંખ આડા કાન કરી રહ્યા છે? અને ધારાસભ્ય દ્વારા થોડા સમય પહેલા મોરબીમાં કોઈ એક વિષયને લઈને પાંચ કરોડ રૂપિયાનો તોડ થયો હોવાની વાત પણ કરી હતી. જે વિડીયો ઘણા બધા સોશિયલ મીડિયામાં છે. તો પણ તેની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કે પછી સરકારે કોઈ કામ કર્યુ નથી. જેથી મોરબીના ધારાસભ્ય ખાલી વાતો જ કરે છે. તેનું સરકારમાં કશું જ ઉપજતું ન હોવાનો ઘાટ સર્જાયો હોવાનું મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યું હતું.