કેન્દ્ર કોરોના વાયરસની બીજી લહેર સામે લડવા માટે રસીકરણનો આગ્રહ રાખે છે. સરકાર વહેલી તકે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું લક્ષ્ય ધરાવે છે. તે જ સમયે, હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કોવિન પ્લેટફોર્મ પર 18+ લોકો માટે સ્થળ નોંધણી અને નિમણૂક થઈ રહી છે. જો કે, આ સુવિધા ફક્ત સરકારી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ રહેશે.મંત્રાલયે કહ્યું છે કે આ સુવિધા ખાનગી રસીકરણ કેન્દ્રો માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ સુવિધાનો ઉપયોગ ફક્ત સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારના નિર્ણય પર થઈ શકે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રસીના બગાડને ઘટાડવા અને પાત્ર લાભાર્થીઓને રસીકરણની સગવડ માટે પગલાં લેવા 18-44 વર્ષની વય જૂથ માટે સ્થળ નોંધણી અને નિમણૂક ખોલવાનું નક્કી કરવું આવશ્યક છે.
ઘણાં રાજ્યોમાંથી વેક્સિન માટે સ્લોટ બુક કરાયા પછી પણ લોકો વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચતા ન હતા. એવામાં વેક્સિનના વેસ્ટેજની બાબતો વધી રહી હતી. આ અહેવાલોના આધારે જ કેન્દ્રએ આ નિર્ણય લીધો છે. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સરકારે વેક્સિનેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે 18-44 વયગ્રુપના લોકોને વેક્સિનેશન માટે ઘણી રાહત મળી છે. આ વયના લોકો માટે હવે કોઈ ઓનલાઇન એપોઈન્ટમેન્ટની જરૂર નથી. નવા નિયમ મુજબ, આ લોકો વેક્સિનેશન સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકશે અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે. આ સુવિધા હાલમાં સરકારી વેક્સિનેશન સેન્ટરો પર આપવામાં આવશે.
બીજી બાજુ આ નિર્ણય કેન્દ્રએ રાજ્ય સરકારો પર છોડ્યો છે ત્યરે ગુજરાતમાં હમણાં નિયમ લાગુ નહીં થાય.આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. વધુમાં તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.



 
                                    




