હાલમાં ગુજરાત કોરોના બાદ સૌથી મોટી સમસ્યા મ્યુકરમાઈકોસિસની છે. દૈનિક નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આજે રાજસ્થાને હજી 200 કેસમાં જ મ્યુકરમાઈકોસિસ રોગને મહામારી હેઠળ સામેલ કર્યો છે, તો ગુજરાત સરકાર ક્યારે કરશે એવી લોકોમાં ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. ગુજરાતના 4 મોટાં શહેરોની સિવિલમાં જ અંદાજે 1200થી વધુ મ્યુકરમાઈકોસિસ કેસ છે તેમજ દૈનિક 20થી 25 લોકોની સર્જરી કરી કેટલાક ભાગ કાઢી નાખવામાં આવે છે. તેમ છતાં હજુ સરકારે આ રોગને લઈને કોઈ યોગ્ય નિર્ણય લીધો નથી. બીજી તરફ, લોકોમાં એવી પણ ચર્ચા છે કે મ્યુકરમાઈકોસિસના દર્દીઓ સતત વધી રહ્યા છે તો સરકાર આ રોગને મહામારી હેઠળ ક્યારે ગણશે. અમદાવાદની અસારવા સિવિલમાં અંદાજે 500ની આસપાસ કેસ છે. જયારે રાજકોટમાં 400 તેમજ વડોદરામાં 260 તેમજ સુરતમાં 114ની આસપાસ દર્દીઓ મ્યુકરમાઈકોસિસની બીમારીથી પીડાઈ રહ્યા છે.
હરિયાણા અને રાજસ્થાને મ્યુકરમાઇકોસીસને મહામારી જાહેર કરી દીધી, દિલ્હીએ દવાઓ બજારમાં વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે, ગુજરાતમાં દવાઓની અછતનો મોટો પ્રશ્ન છે ત્યરે ગુજરાત સરકાર મ્યુકરમાઇકોસીસને મહામારી જાહેર કરે તેવી શક્યતા છે. કોરોના મહામારી પછી હવે ગુજરાતમાં પણ મ્યૂકર માઇકોસિસને એપેડેમિક એટલે કે મહામારી તરીકે જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.મ્યૂકર માઇકોસિસની દવાઓ કે જેની ગુજરાતમાં અછત છે. સંગ્રહાખોરી અને કાળાબજારી થતી હોવાની શંકા છે તેથી આ રોગની દવાઓના વેચાણ પર નિયંત્રણ આવે તેવી પણ શક્યતા જોવાઇ રહી છે. દિલ્હીની સરકારે આ રોગની દવાઓને ઓપ્ન બજારમાં વેચવા પર કડક પ્રતિબંધ મૂકી દીધો છે અને માત્ર જરૂરતમંદ દર્દીને હોસ્પિટલમાંથી સીધી આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ગુજરાતમાં કોરોનાથી સાજા થઇ રહેલા દર્દીઓ મ્યૂકર માઇકોસિસનો શિકાર બની રહ્યાં છે.આ રોગની સારવારમાં વપરાતાં એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શન હાલ બજારમાં ઉપલબ્ધ નથી જેના કારણે દર્દીઓને સિવિલમાં ફરજીયાત દાખલ થવું પડે છે. આ મહામારી રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ફેલાઇ રહી છે.
મ્યુકરમાયકોસિસની AmphotericinB દવા અહીંથી મળશે ;-
અમદાવાદ : SVP,સોલા સિવિલ હોસ્પિટલ,
ગાંધીનગર : સિવિલ હોસ્પિટલ,
વડોદરા : SSG હોસ્પિટલ,
સુરત : સ્મીમેર હોસ્પિટલ,
ભાવનગર : સર ટી હોસ્પિટલ,
જામનગર : GG હોસ્પિટલ,
રાજકોટ : PDU હોસ્પિટલમાં રાહત દરે જરૂરી દસ્તાવેજો સાથે રજૂ કરવાથી મળશે.



 
                                    




