રાજકોટમાં રોજની કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. આથી શહેરમાં કોરોનાનો આંક ઘટીને માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની સ્થિતિએ પહોંચી ગયો છે. રાજકોટમાં કુલ કેસની સંખ્યા 42281 પર પહોંચી છે. રાજકોટમાં ગઈકાલે 2 દર્દીના મોત નીપજ્યાં હતા. જોકે આ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. શહેરમાં આજે બપોર સુધીમાં 9 કેસ નોંધાયા છે. બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 4048 લોકોએ કોરોના વેક્સિન લીધી છે. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પણ તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. કોરોના મહામારીને પગલે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરાયા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે હવે યુનિવર્સિટી કક્ષાની પરીક્ષાઓ પણ રદ કરવા આદેશ કર્યો છે. આ અંગે ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી તારીખ 15 જૂનથી પીજીના વિદ્યાર્થીઓની અને 21 જૂનથી યુજીના વિદ્યાર્થીઓ સહિત કુલ 60 હજાર જેટલા વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવાની હતી પરંતુ રાજ્ય સરકાર તરફથી સૂચનાઓ મળ્યા બાદ જ 15 જૂનના લેવાનાર પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. અને હવે સરકારના આદેશ બાદ ઓફલાઈન પરીક્ષા અને ભૌતિક વર્ગખંડ શિક્ષણ ચાલુ થશે. શિક્ષણ વિભાગના આદેશને પગલે યુનિવર્સિટીની પીજી, યુજી, એક્સ્ટર્નલ સહિતની ઓફલાઈન લેવાનારી તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.
રાજકોટ એરપોર્ટ પર 9 વર્ષ બાદ કાર્ગો સર્વિસ શરૂ થઈ છે. એર ઈન્ડિયાના પ્રથમ કાર્ગો બુકીંગમાં રાજકોટનું પપ્પી દિલ્હી પહોંચ્યું હતું. ગત મહિનાથી એરપોર્ટ પર કાર્ગો સર્વિસ શરૂ થઈ છે પરંતુ કોરોના ના લીધે લોકડાઉન માં કાર્ગો બુકિંગ થયા નહોતા.સ્પાઇસ જેટ અને ઈન્ડિગો એરલાઇન કંપની ની ફ્લાઈટ હાલમાં બંધ છે જ્યારે એર ઇન્ડિયાની મુંબઈ દિલ્હી માટેની ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. જેમાં ગઈકાલે રાજકોટ થી દિલ્હી માટેની ફ્લાઈટમાં સર્વિસમાં પ્રથમ બુકિંગ પેટ(પપ્પી) નું કરાયું હતું.આ પપ્પી એ પ્લેન ની સવારી કરી દિલ્હી પહોંચ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ જ્યારે જેટ એરવેઝની કાર્ગો સર્વિસ ચાલતી હતી તેમાં પણ સૌથી વધુ ડોગની અલગ અલગ બ્રિડ અને બર્ડસપોપટ એ પ્લેન ની સવારીનો આનંદ માણ્યો હતો.