બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કાર્તિકના હાથમાંથી કેટલાક મોટા પ્રોજેક્ટ છૂટી ગયા છે પરંતુ તેના હાથમાં હજી પણ કેટલીક ફિલ્મો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મોમાંથી એક ફિલ્મ છે રામ માધવાનીની ‘ધમાકા’. ‘ધમાકા’ ઘણા સમયથી ચર્ચામાં છે, જેમાં કાર્તિકે આ ફિલ્મમાં ટીવી એન્કરની ભૂમિકા ભજવી છે. આ દરમિયાન તાજેતરમાં જ ફિલ્મ સાથે જોડાયેલા એક નવા સમાચાર સામે આવી રહ્યા છે.
સ્પોટબોયના અહેવાલ અનુસાર કાર્તિક આર્યનની ‘ધમાકા’ ઓગસ્ટમાં રિલીઝ થવાની સંભાવના છે. અગાઉ એવી ચર્ચા હતી કે તે આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થશે પરંતુ નવા સમાચાર અનુસાર આ ફિલ્મ હવે ઓગસ્ટમાં રિલીઝ થઈ શકે છે. એક ખાનગી વેબસાઈટ સાથે વાત કરતાં એક સૂત્રે જણાવ્યું હતું કે, “આ ફિલ્મ લગભગ સંપૂર્ણ પણે તૈયાર છે અને પોસ્ટ પ્રોડક્શન પણ પૂર્ણ થઈ ગયું છે. બસ સીજી (કમ્પ્યુટર ગ્રાફિક્સ) અને એફએક્સનું કામ બાકી છે. લોકડાઉનને કારણે ગ્રાફિક્સનું કામ થોડું ધીમું પડી ગયું હતું, પરંતુ કામ ચાલુ છે. નેટફ્લિક્સ જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં આ ફિલ્મ રજૂ કરી શકે છે’.
ઉલ્લેખનીય છે કે કાર્તિકે તાજેતરમાં જ માહિતી આપી હતી કે આ ફિલ્મ થિયેટરોને બદલે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. કાર્તિકે એક ટીઝર શેર કર્યું હતું અને આ માહિતી આપી હતી. કાર્તિકની આ પહેલી ફિલ્મ છે જે થિયેટરોને બદલે સીધી ઓટીટી પ્લેટફોર્મ પર આવશે. આ ફિલ્મનું દિગ્દર્શન રામ માધવાનીએ કર્યું છે. રામ માધવાની દિગ્દર્શિત લોકપ્રિય વેબ સિરીઝ ‘આર્યા’ ગયા વર્ષે ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી હતી. જણાવી દઈએ કે કાર્તિકે માત્ર 10 દિવસમાં ‘ધમાકા’નું શૂટિંગ પૂરું કર્યું હતું. ફિલ્મના મોટાભાગના ભાગોનું શૂટિંગ ઇન્ડોર કરવામાં આવ્યું છે. કેટલાક દ્રશ્યો આઉટડોર શૂટ કરવામાં આવ્યા છે. એવા અહેવાલો હતા કે કાર્તિકને આ ફિલ્મ માટે ૧૪ દિવસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેણે ૧૦ દિવસમાં પોતાનું કામ પૂર્ણ કર્યું હતું. કાર્તિક આ વર્ષે ‘ભૂલ ભૂલૈયા 2’માં પણ જોવા મળશે. જે 19 નવેમ્બરે થિયેટરોમાં આવશે.

