રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં દિવસે-દિવસે વધી રહેલા કોરોનાવાયરસના કેસોને ધ્યાનમાં રાખીને શનિવારે રાજ્યની વર્તમાન COVID19 પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જો આપણે ભૂતકાળના ડેટા જોઈએ, તો સીએમ ઠાકરે દ્વારા રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર સરકારે પણ શુક્રવારની રાતથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી વીકએન્ડ લોકડાઉન લગાવી દીધું છે. જો કે, આ સમયગાળા દરમિયાન ખોરાક અને આવશ્યક વસ્તુઓની હોમ ડિલિવરી અને વિવિધ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને આવાજવા માટેની અનુમતિ છે. વીકએન્ડ લોકડાઉનને કારણે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય મથક પાસેના રસ્તાઓ સંપૂર્ણ વિરાન થઈ ગયા છે. નોંધપાત્ર વાત એ છે કે શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 58,993 નવા કેસો નોંધાયા છે. જેને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 45,391 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 301 લોકોના મોત નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.45 લાખથી વધુ નવા ચેપગ્રસ્ત લોકોની પુષ્ટિ થઈ છે. જે બાદ ઇન્ડિયામાં કોરોના સંક્રમણના આંકડા ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં 1,32,05,926 લોકો કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે. તમને જણાવી દઈએ કે 2 એપ્રિલથી સરકાર 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપી રહી છે. ભારતે પ્રથમ તબક્કામાં તમામ ફ્રન્ટલાઈન વર્કરોને પ્રાથમિકતા આપીને 16 મી જાન્યુઆરીએ રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. બીજા તબક્કાની શરૂઆત 1 માર્ચથી થઈ હતી જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.


